સમય સાથે તમારે કેવો સંબંધ છે?
સમય સાથે તમારે કેવો સંબંધ છે? દોસ્તીનો કે દુશ્મનીનો? સમય એવી ચીજ છે કે તમે તેની સાથે જેવો સંબંધ રાખશો, એવો સાથ આપશે. સમય સારો કે ખરાબ નથી હોતો, સમય સમય જ હોય છે. કોઈ ક્ષણ ગુડ ટાઈમ કે બેડ ટાઈમનું લેબલ લગાવીને આપણી સામે આવતી નથી. આપણે જ જો સમય પર અચ્છા કે બુરાનું સ્ટીકર ચોંટાડી દઈએ તો એમાં વાંક સમયનો નથી હોતો.
એક માણસને સમય સાથે ઝઘડો થયો. સમયને ફરિયાદ કરી કે, મારા માટે તું ક્યારે સુધરીશ? સમયે કહ્યું કે, તું ક્યાં મને બગાડે છે એ શોધી કાઢ એટલે હું આપોઆપ સુધરી જઈશ. મેં તો મારી બધી શકિત તને આપી છે, હવે તારા હાથમાં છે કે તું તેને કેવી રીતે વાપરે છે.
આપણને વારંવાર એક વાત સાંભળવા મળે છે કે યાર, મરવાની પણ ફુરસદ નથી! જો મરવાની ફુરસદ ન હોય તો જીવવાની ફુરસદ ક્યાંથી મળવાની છે? ગમે એવો ધનાઢ્ય માણસ પણ સમયને ખરીદી શકતો નથી. સમયને તમે જરાયે રેઢો મૂક્યો તો સમય તમારા પર ચડી બેસશે.
સમયની લગામ માણસના પોતાના હાથમાં હોવી જોઈએ પણ માણસ આ લગામ સમયના હાથમાં આપી દે છે અને પછી એ જેમ ચાબુક ફટકારે એમ દોડતો અને હાંફતો રહે છે. એક વરસનું મૂલ્ય કેટલું છે એ જાણવું હોય તો એવા વિદ્યાર્થીને પૂછો જે ફાયનલ એક્ઝામમાં ફેઈલ થયો છે. એક મહિનાના મૂલ્યની વાત એ માને પૂછો જેને એક મહિનો પ્રિમેચ્યોર ડીલીવરી થઈ છે.
એક કલાકનું મૂલ્ય એ પ્રેમીને પૂછો જે પોતાની પ્રેમિકાની રાહ જુવે છે. એક મિનિટનું મૂલ્ય એને પૂછો જે માણસે એક મિનિટ મોડું થતાં ટ્રેન મિસ કરી હોય. એક સેકન્ડનું મૂલ્ય એને પૂછો જેનો અકસ્માતમાંથી સહેજ માટે બચાવ થયો હોય અને વન મિલિસેકન્ડનું મૂલ્ય એ રનરને પૂછો જેણે આંખના પલકારા કરતાં પણ ઓછા સમય માટે ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ ગુમાવ્યો હોય!
સમયનું મૂલ્ય જે સમજતા નથી તેને સમય કોડીના કરી નાખે છે. સમયનો સદુપયોગ કરતા આવડવું જોઈએ. એટલે જ કહેવું પડે કે, સમયને વાપરવામાં ઉડાઉ ન બનો અને એટલા કંજૂસ પણ ન બનો કે પોતાના માટે પણ સમય ન બચે.
એક બેંકર છે જે દરેક વ્યક્તિને એક ગજબની સ્કીમ આપે છે. આ બેંકર તમારા ખાતામાં દરરોજ સવારે રુપિયા ૮૬૪૦૦ જમા કરાવે છે અને તમને કહે છે કે, આ રકમ તમારે આખા દિવસમાં એવી રીતે વાપરવાની છે જેનાથી તમને મેક્સિમમ સુખ અને શાંતિ મળે.
આ સ્કીમના નિયમો પણ વિચિત્ર છે. તમારે દિવસ પૂરો થાય ત્યાં સુધીમાં બધી જ રકમ વાપરી નાખવાની છે, નહીં તો એ રકમ ડિલિટ થઈ જશે, બીજા દિવસે કેરી ફોરવર્ડ નહીં થાય, ગયું તે ગયું. બીજા દિવસે તમને નવા રૂપિયા ૮૬૪૦૦ મળવાના છે. તમે દરરોજ આ રકમ કેવી રીતે વાપરશો અને ક્યાં ઈન્વેસ્ટ કરશો તેના પર તમારી જિંદગીનો આધાર છે.
આ વાર્તા પાછળ ગૂઢ રહસ્ય છે. આ વાર્તાનો બેંકર બીજો કોઈ નથી પણ ખુદ ઈશ્વર છે, એ દરરોજ આપણને ૮૬૪૦૦ સેકન્ડ આપે છે. દિવસ પૂરો થતાં જ આ સમય વપરાઈ જાય છે. સમયનું આ બેલેન્સ જમા થતું નથી. તમને તમારી આ ૮૬૪૦૦ સેકન્ડનું મૂલ્ય છે તો તમે એને એવી રીતે ઈન્વેસ્ટ કરો કે તમને ખુદને એવું ફીલ થાય કે મેં મારી રકમ ઉડાવી નથી.
આ રકમ પાછી બચત પણ નથી થવાની, માત્ર આ રકમ એવી રીતે ઈન્વેસ્ટ કરવાની છે જે તમારી જિંદગીને રીચ અને હેપ્પી બનાવે. ઉંમર એનું કામ કરવાની જ છે, એ તમારા હાથમાં છે કે તમે ઉમર પાસેથી કેવું કામ લ્યો છો.
સમયનો સદ ઉપયોગ કરતા આવડે તેને સમય વહી ગયાનો અફસોસ થતો નથી. જીવનના અંતે એવું ફીલ ન કરવું હોય કે આખી જિંદગી એળે ગઈ તો તમારા સમયને પૂરી ત્વરાથી જીવો.
યાદ રાખો, માત્ર કામ કરવું, નોકરી કરવી, રુપિયા કમાવવા એ જ જીવન નથી, જીવનમાં પ્રેમ, લાગણી, સંવેદના, મિત્રો, પરિવાર અને સંબંધોનું મૂલ્ય આંકતા અને સમજતાં શીખો. આ બધાંનો સરવાળો કરીને જે ટોટલ આવશે એ જ સુખ છે.
Comments
Post a Comment