જિંદગીને જીવવાની ફિલસૂફી સમજી લીધી, જે ખુશી આવી જીવનમાં, આખરી સમજી લીધી. જિંદગીને થોડીક જુદી રીતે સમજવાનો પ્રયાસ કરીએ તો કહી શકાય કે, જિંદગી એટલે સાચા અને ખોટા નિર્ણયોનો સરવાળો. આપણાં સુખ અને દુ:ખનો ઘણો મોટો આધાર આપણે લીધેલા નિર્ણયો પર નિર્ભર કરે છે. નાના હોઈએ ત્યારે આપણે નાના નાના ડિસિઝન્સ લેતાં હોઈએ છીએ, મોટા થતાં જઈએ એમ એમ મોટા નિર્ણયો લેવા પડતાં હોય છે. પ્રેમ, દોસ્તી, લગ્ન અને કરિયર, આ ચાર બાબતો એવી છે કે જેના નિર્ણય આપણને આખી જિંદગી અસર કરતાં રહે છે. માણસને જો ખબર હોય કે મારો આ નિર્ણય મને તકલીફ કે દુ:ખ આપશે તો એ કોઈ દિવસ એવો નિર્ણય લ્યે જ નહીં. નિર્ણયની સૌથી મોટી તકલીફ જ એ છે કે નિર્ણય સાચો હતો કે ખોટો એ તો પરિણામ આવે ત્યારે જ સમજાય છે. માણસ કોઈ બાબતે નિર્ણય લ્યે અને તેનું પરિણામ આવે તેની વરચે ઘણો સમય વીતતો હોય છે. અમુક સંજોગો અને પરિસ્થિતિ જ ઘણી વખત એવા વળાંક લેતાં હોય છે કે માણસે ધાર્યું હોય કંઈ અને થઈ જાય સાવ જુદું જ. સાચી વાત એ હોય છે કે જે થવાનું હોય છે એ થઈ ગયું હોય છે. પરિણામ ભોગવવાનું હોય છે. પરિણામનું પોસ્ટમોર્ટમ કરીએ તો નિષ્ફળતાના કારણો સિવાય કંઈ હા...